ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
કૃષ્ણચન્દ્રની કૌમુદી ઊજળો
કીધ પ્રભુએ ય સ્વદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ
નદી ને તળાવ કેરી કુંજ
કોમળી કવિતા સમ સુરસાળ
સિન્ધુ જ્યાં દે મોતીના થાળ
જગજૂનાં નિજ ગીત ગર્જતો ફરતો સાગર આજ
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
ચોળી ચણિયો પાટલીનો ઘેર
સેંથલે સાળુની સોનલ સેર
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ
રાણકતનયા ભાવશોભના સુન્દરતાનો શું છોડ
આર્ય સુન્દરી નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ
ભાલ કુમકુમ કરકંકણ સાર
કન્થનાં સજ્યાં તેજશણગાર
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ
ધર્મવીર પારસીનો સત્કાર
જગત ઈતિહાસે અનુપ ઉદાર
ઈસ્લામી યાત્રાળુનું આ મક્કાનું મુખદ્વાર
હિન્દુ મુસલમિન પારસીઓને અહિયાં તીરથદ્વાર
પ્રભુ છે એક ભૂમિ છે એક
પિતા છે એક માત છે એક
આપણે એકની પ્રજા અનેક
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
-મહાકવિ નાનાલાલ
|