[પાછળ]



ઝંડા અજર અમર રહેજે
તારે ક્યારે કૈંક દુલારે  દિલનાં  શોણિત પાયા
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં
ઝંડા અજર અમર રહેજે
વધ  વધ  આકાશે જાજે

નહિ કિનખાબ  મખમલ મશરૂ  કેરી  તારી પતાકા
નહિ જરી ને હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા
ઝંડા     ભૂખરવો   તોયે
દિલો કોટિ તુજ પર મોહે

નીલગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી
અરૂણ તણે  કેસરિયે  અંજન બીજી મીટ મદીલી
ઝંડા    શશી   દેવે   સીંચી
ત્રિલોચન ધવલ આંખ ત્રીજી

કુમળાં બાળ કિશોરો બુઝુર્ગો સહુ તુજ કાજે ધાયા
નર નારી  નિર્ધન  ધનવંતો  એ સબ ભેદ ભૂલાયા
ઝંડા   સાહિદ  રહેજે   હો
રુધિરના બિન્દુ બિન્દુ તણો

તુજને  ગોદ લઈ  સૂનારાં  મેં  દીઠાં  ટાબરિયાં
તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વીસરિયાં
ઝંડા   કામણ    શા   કરિયાં
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં

તું સાચું અમ કલ્પતરુવર મુક્તિફળ તુજ ડાળે
તારી શીત સુગંધ નથી  કો માનસસરની પાળે
ઝંડા  જુગ જુગ પાંગરજે
સુગંધી ભૂતલ પર ભરજે

રાષ્ટ્રદેવના  ઘુમ્મટ   ઉપર  ગહેરે નાદ ફરૂકે
સબ ધર્મોના  એ  રક્ષકને સંત  નૃપાલો  ઝૂકે
ઝંડા આજ  ન  જે  નમશે
કાલ તુજ ધૂલિ શિર ધરશે

આઠે પહોર હુંકારા  દેતો  જાગૃત રહે  ઉમંગી
સાવધ રહેજે પહેરો દેજે અમે ન રહીએ ઊંઘી
ઝંડા     સ્વરાજના    સંત્રી
રહો તુજ ઝાલર રણઝણતી
-ઝવેરચંદ મેઘાણી
[પાછળ]     [ટોચ]