[પાછળ] 


અવાવરુ વાવ તણે તળિયે

     જેટલી જિભાન હોય એટલા હો વેણ ભલે
     છીએ અમે અવાવરુ વાવ તણે તળિયે
     આવી જુઓ, મધરાતે મળીયે

     આસપાસ બાવળના ઝરડામાં
     ઊડી રહી હોય જૂની ચૂંદડીની લીર
     બોલે ભેરવ અધીર
     એવી એંધાણીએ આવજો

     કાંઠા પરે ઉતારીને આખે આખું જીવતર
     મેલી દઈ કોરેકોરા લીલાં પીળાં ચીર
     અમે ઊંડી વાવ તણા વમળમાં તરીએ

     હળુ હળુ ઊતરજો...
     આવકારો જાણે નહિ પગથિયાં ચૂપ
     ગૂંગળાજો મા – ક્યાંક અચાનક
     ઊડી આવે ગોટેગોટા ધૂપ

     ભડકશો નહિ ભાળી ભડકાનું રૂપ
     હેબતાવું શીદ – મર પગથિયે પગથિયે
     હો તાજેતાજી કુમકુમ પગલાંની છાપ
     (ઊકલતું હોય વીસ વરસનું માપ)

     જરી તરી વાયરાના ઓછાયાને કળીએ
     સૂતાં અમે અવાવરુ વાવ તણે તળિયે
     આવી જુઓ, મધરાતે મળીયે

     -ભાનુપ્રસાદ પંડ્યા
 [પાછળ]     [ટોચ]