કાંધ રે દીધી ને દેન રે દીધાં
કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે
પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી
પળિયામાં ભમે મારી ધ્રજતી આંગળીયું
ને ટેરવે જંગલ ઊગે આંખના હોજી
ઓરડામાં લીલીછમ ઓકળીની વેલ્ય
નીચા પગથારે અકબંધ સાથિયા હોજી
નીંદરની જેમ મારી પાંપણ ઘેરાય
ધીમાં ગળતી વેળાંનાં પરભાતિયાં હોજી
કોડિયાને મોરવાયે વાટને સંકોરું
તોય પડદા ઝળેળે આડે ઝાંખના હોજી
ઢોલિયે ફૂટે રે આરસ પાળિયા ને
રોમરાએ ખટકે ઘૂંટેલ કેફ તાંસળાં હોજી
તાંસળાંનાં તાંસળાં ઘૂંટીને ભરું તોય
ખાલીપે ભીંસાય પોલાં પાંસળાં હોજી
દેશવટા ગઢમાં દેવાણાં અમને એમ
પગે આંટણ ઘોળાય બારસાખનાં હોજી
-રમેશ પારેખ
|