[પાછળ] 

ગોફણ ગીતા


     ધરતયડો કે’ છે:

     ‘ધરમછેતરમાં ને કરુછેતરમાં
     ઇ ઘડીકમાં બાઝી મરે
     હંજયડા! ઘડીકમાં બાઝી મરે
     એવાં મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ
     ભેળાં થઇને સું કરે
     હંજયડા! ભેળાં થઇને સું કરે?’

     અરજણીયો કે’ છે:

     નાનાએ મારવા ને મોટાએ મારવા
     ને મારવાનો ના મળે આરો
     કરહણિયા! મારવાનો ના મળે આરો
     એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો
     ચિયો ગગો રહી ગીયો કુંવારો?
     કરહણિયા! હું તો નથી લડવાનો…

     કરહણિયો કે’ છે:

     અજરામર છે અલ્યા મનખાનો આત્યમો
     ને માર્યો ના કો’થી મરાય
     અરજણિયા! માર્યો ના કો’થી મરાય
     એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને
     તારા બાપનું સું જાય?
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     મલક હંધોય તારી કરવાનો ઠેકડી
     ને હું તો કહી કહીને થાક્યો
     આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો?
     ઊંધા તે પાનિયાનો પાક્યો
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
     મરેશ તો જા’શ ઓલ્યા હરગે
     અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે
     અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
     આવો તે લાગ શીદ ચૂકે?
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
     જીણે વાસનામાં મેલ્યો પૂળો
     અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
     અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
     પસે તું તે કઇ વાડીનો મૂળો?
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     કરમની વાત હંધી આપડા હાથમાં
     ને ફળની નઇં એકે કણી
     અરજણિયા ફળની નઇં એકે કણી
     ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
     ઓલ્યા દલ્લી તે શેરના ધણી
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
     ફળની તું કર્ય મા ફકર્ય
     અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
     ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
     ઇ નથ્થ તારા બાપનો નોકર
     અરજણિયા! મેલ્યને મૂરખાવેડા…

     અરજણિયો કે છે:

     ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે
     ને ગન્યાંન લાદ્‌યું મને હાચું
     કરહણિયા! ગન્યાંન લાદ્‌યું મને હાચું
     તું મારો મદારી ને હું તારો માંકડો
     તું નચાવે ત્યમ હું નાચું
     કરહણિયા! હું તો હવે લડવાનો…

     હંજયડો કે’ છે:

     ‘જોગી કરહણિયો ને ભડ અરજણિયો
     ઇ બેઉ જ્યાં થાયે ભેળા
     ધરતયડા! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
     મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
     તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
     ધરતયડા! દા’ડી ઊડે ઘીકેળાં...’

     -અજ્ઞાત
 [પાછળ]     [ટોચ]