[પાછળ] 


કૃષ્ણ-સુદામા આખ્યાન
કડવું ચોથું

પછી  સુદામોજી  બોલિયા   સુણ  સુંદરી  રે
હું  કહું તે  સાચું  માન  ઘેલી  કોણે  કરી રે

જે   નિરમ્યું  તે   પામીએ   સુણ  સુંદરી રે
વિધિએ  લખી વૃદ્ધિહાણ  ઘેલી કોણે  કરી રે

સુકૃત  દુકૃત  બે  મિત્ર   છે   સુણ સુંદરી રે
જાય  પ્રાણ આત્માને સાથ ઘેલી કોણે કરી રે

દીધા   વિના  કેમ  પામીએ   સુણ  સુંદરી રે
નથી આપ્યું જમણે હાથ  ઘેલી  કોણે  કરી રે

જો  ખડધાન   ખેડી  વાવિયું  સુણ  સુંદરી રે
તો ક્યાંથી  જમીએ  શાળ  ઘેલી કોણે કરી રે

જળ  વહી  ગયે  શું  શોચવું   સુણ  સુંદરી રે
જો  પ્રથમ  ન બાંધી  પાળ  ઘેલી કોણે કરી રે

અતિથિ  ભૂખ્યા  વળાવિયા  સુણ   સુંદરી  રે
તો ક્યાંથી પામીએ  અન્ન ઘેલી કોણે  કરી  રે

સંતોષ  સુખ  ન ચાખિયાં   સુણ   સુંદરી   રે
હરિચરણે  ન સોંપ્યાં  મન  ઘેલી કોણે કરી રે

ભક્તિ કરતાં  નવનધ આપશે   સુણ  સુંદરી રે
એવું સાંભળી બોલી સ્ત્રી જન ઘેલી કોણે કરી રે

જળ આંખે  ભરી  અબળા કહે ઋષિરાયજી રે
મારું  દ્રઢ   થયું   છે  મન    લાગું  પાયજી  રે

એ  જ્ઞાન  મને  ગમતું  નથી   ઋષિરાયજી રે
રુએ  બાળક  લાવો   અન્ન  લાગું  પાયજી રે

કોને  અન્ન  વિના ચાલે  નહિ  ઋષિરાયજી રે
ભલે   હો   જોગ  જોગેશર   લાગું  પાયજી રે

અન્ન  વિના ભજન  સૂઝે  નહિ  ઋષિરાયજી રે
જીવે   અન્ને   આખું  જગત   લાગું  પાયજી રે

શિવે અન્નપૂર્ણા  ઘેર  રાખિયાં  ઋષિરાયજી રે
રવિએ   રાખ્યું  અક્ષયપાત્ર   લાગું  પાયજી રે

સપ્ત  ઋષિ  સેવે  કામધેનુને   ઋષિરાયજી રે
તો  આપણે  તે    કોણ  માત્ર  લાગું પાયજી રે

દેવો    સેવે      કલ્પવૃક્ષને     ઋષિરાયજી રે
મનવાંછિત  પામે   આહાર  લાગું   પાયજી રે

અન્ન  વિના   ધરમ  સૂઝે  નહિ  ઋષિરાયજી રે
ઊભો  અન્ને  આખો   સંસાર   લાગું પાયજી રે

ઉદ્યમ   નિષ્ફળ   જાશે   નહિ   ઋષિરાયજી રે
જઈ     જાચો    હરિવરરાય   લાગું  પાયજી રે

અક્ષર   લખ્યા    દારિદ્રના    ઋષિરાયજી રે
ધોશે   ધરણીધર   તતખેવ   લાગું  પાયજી રે
-પ્રેમાનંદ
 [પાછળ]     [ટોચ]