તનમનિયાં
આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ
બાગ મહિં ફરતા'તા સાથે પૂછું હું ફુલોનાં નામ
એક નામ એવું મીઠું
સાંભળતાં દીલમાં પેઠું
નાના નાના છોડો ઉપર નાનાં નાનાં ફૂલડાં બહુ
સાથે ઊભા'તા એ જોતાં પૂછ્યું: ‘આનાં નામો શું’
કહ્યું ‘નામ છે તનમનિયાં’
સાંભળતા એ મન ગમિયાં
કુમળાં નહિ એ જુઈ જેવાં ગુલાબ જેવી વાસ નહિ
પણ તેનાં એ નામ મહિં છે એવું મીઠું કૈંક સહી
સાંભળતાં ‘તનમનિયાં’ નામ
થાયે જાણે સુણિયું ગાન
ગુલાબ ડોલર જૂઈ તે તો દૂરેથી પરખાવે વાસ
કિન્તુ તનમનિયાં ફૂલડાં તો નામ થકી રહે અંતરપાસ
ભલે ન હોય તેમાં કાંઈ સુવાસ
નામ મહિં ભરિયો ઉલ્લાસ
-પ્રહ્લાદ પારેખ
|