મારા સુણી ઓળખીને ટકોરા
દ્વારો ઉઘાડ્યાં ક્ષણમાં સખીએ
થોડા થયાં માસ બની'તી માતા
વાત્સલ્યથી જે નમણી વિશેષ
‘કહો સખી કાંઈ નવીન’ ક્હેતાં
હસીઃ ‘હજી તો હમણાં ગયાં'તા
નવીન તે હોય શું એટલામાં’
ત્યાં ખંડમાં અદ્ધર બેઉ પાય
અફાળવાના થડકાથી કંપતો
અર્ધો હસ્યાનો અરધો રડ્યાનો
શું ભાખતો જિંદગીનું રહસ્ય
શિશુ તણો એ સ્વર સંભળાયો
‘નવીન લ્યો આ પુછતા હતા તે
રમી રમીને તમ આવતાં જ
કેવી કરે છે ફરિયાદ લુચ્ચો
જવાબ એના સમ વિશ્વકેરી
આ યોજનાને પડકારનારો
હવે સરન્તો રુદને ત્વરાથી
કંપી સ્વયં કંપ કરાવનારો
અમે સુણ્યો દીર્ઘ થતો પુકાર
‘જુઓ જુઓ ખૂબ રડે છ જાઓ
થયું હશે કૈં ઝટ જૈ જુઓ તો’
’થવાનું તે શું હતું એ થયો છે
અત્યારથી ઢોંગી તમો જ જેવો
જોજો ઘડીમાં રહી જાય ન્હૈં તો’
અને ખરે એ ગઈ તેની સાથે
સમાય બીનસ્વર જેમ બીને
તેવો શમ્યો માતની ગોદમાં એ
જરા પછી સ્વસ્થ થયો સુણ્યો ત્યાં
‘આમાવજો’ સાદ જતાં નિહાળું તો
જેવું સવારે હિમ કેરું બિન્દુ
કો પુષ્પકોષે જઈને ઠરી રહે
જેવું પીને પુષ્પમધુ પતંગ
પુષ્પે જ થૈ શાન્ત અને પડી રહે
તેવો હતો ગોદ મહીં જ ઊંઘતો
ધીમે રહી મૂકી જમીન ક્હે જેઃ
‘બેસો, જુઓ, કેવું તમારી પેઠે
ડાબું નમાવી શિર એ સુએ છે’
બેઠો હું યે ઉન્નત ને ભરેલા
મેઘો ચડે સામસામી દિશાથી
ચડી મળી મધ્યનભે લળીને
પૃથ્વી પરે અનરાધાર વર્ષે
તેવાં અમે સામસામેથી ઝૂક્યાં
શિશુ પરે ને વરસ્યાં સહસ્ર
ધારો થકી અંતર કેરું હેત
જેવાં ધરાથી થઈ પુષ્ટ મેઘ
વર્ષે ધરા ઉપર ફરી પાછા
તેવાં અમે તૃપ્ત થતાં જ વર્ષ્યાં
ને વર્ષીને તૃપ્ત થયાં ફરીથી
ને ત્યાં અમો બેઉ અને શિશુનો
બની રહ્યો મંગલ એ ત્રિકોણ
-રામનારાયણ વિશ્વનાથ પાઠક