[પાછળ] 
          બાને કાગળ
તેં જ અપાવેલ જીન પ્હેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી વચ્ચે સફેદ કોરો કાગળ કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા અમે મજામાં છીએ કેમ છે તું? લખવા ખાતર લખી રહી છું પૂછવા ખાતર પૂછી રહી છું હું લખવાનું બસ એ જ આટલાં વરસે મેલાં થઈ થઈ જીન્સ આ મારાં બની ગયાં છે મેલખાઉં તો એવા કે ધોવાનું મન થતું નથી જીન ધોવાને અહીંયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી સખી સાહેલી કોઈ નથી નથી નજીક કોઈ ખેતર કૂવા, કાબર, કોયલ નથી નજીકમાં ધોળા બગલા ધોળું વૉશર, ધોળું ડ્રાયર બ્લૂ જીન ધોવા ધોળાં વૉશિંગ પાઉડર ઘડી ઘડીમાં સ્ટેટિક થાતાં જીનને માટે એન્ટી-સ્ટેટિક ધોળાં ફેબ્રિક સૉફ્ટનર લીલાં વૃક્ષો લાગે ધોળાં ધોળું બ્લૂ આકાશ સાત રંગનું મેઘધનુષ પણ ધોળું લાગે ધોળું કાજળ, ધોળો સુરમો ધોળું કંકુ, ધોળા લાગે ધોળાં ચોખા ધોળો, ધોળો, સાવ સફેદ ધોળો ગુલાલ ધોળાઓના દેશ મહીં આ કેવાં કાળા ભાગ્ય કરમની કઠણાયુંને હું ધોળા દિવસે ખાંડ્યાં કરતી બેઠી છું અહીં બેઠી છું બહુ વખતે વિહ્‌વળ લખવા આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી વચ્ચે બહુ ધોળો નહિ એવો આગળ વધી રહેલો કાગળ કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે અટકળ લખવા કાગળમાં હું ફરી ફરી એ જ લખું છું બા ધોયેલાં જીન સૂકવવા નથી અહીં કોઈ આંબાવાડી તડકાં પણ અહીંના છે સ્ટરિલાઈઝ્ડ હવા અહીંની ઈપીએ કન્ટ્રોલ્ડ સ્પ્રિન્કલરના પાણીથી ઊગે થોડું થોડું લીલું લીલું ઘાસ ઘાસ અહીંનું સૌનું નોખું નોખું પાણી, નોખાં તડકા જીન્સ અહીં તો બોલચાલનાં નોખાં નોખાં હળવા મળવાનાં નોખાં રીતભાતનાં એકબીજાને ગમવાનાં પણ નોખાં નોખાં ટીવી, નોખાં રિમોટ નોખી પાર્ટી, નોખાં વૉટ નોખી ગાડી, નોખાં ફોન નોખાં નામો, જશવંત જ્હોન એક જ છતની નીચે સહુનાં નોખાં નોખાં ઘર નોખી નોખી વહુઓનાં છે નોખાં નોખાં વર મારા ઘરમાં મારાથી હું નોખી થઈને બેઠી છું મારાથી થોડે દૂર દૂર દૂર થઈ બેઠી છું બહુ વખતે સાંધણ લખવા આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી વચ્ચે લખવા ધારેલ ટૂંકો પણ લાંબો થઈ ગયેલો કાગળ કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાંધણ લખવા કાગળને ઊંધો કરતાં બીજી બાજુ પણ એ જ લખું છું બા સ્હેજ સુકાયેલ જીનને પૂરાં સૂકવવાને ઊંધા કરતાં ઑલમોસ્ટ આ લાઈફ થઈ ગઈ ઊંધી ઊંધા રસ્તા, ઊંધી ગાડી ઊંધા માણસ, ઊંધી લાડી ઊંધી વાતો કરતાં કરતાં રોજ વિતાવું ઊંધી રાતો ઊંધા નળમાં રોજ રોજ હું ઊંધું પાણી સીંચું ઊંધા ઊંધા અંધારામાં અજવાળા કરવાની ઊંધી સ્વિચું અ આ ઇ ઉ અહીંનું ઊંધુ ઊંધા ય, ર, ઊંધા લ, વ ઊંધા સ ની સાથે સીધી બેઠી છું હું સૂમસામ થઈ બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી વચ્ચે પૂરેપૂરો અને આમ અધૂરો કાગળ કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા છેલ્લે છેલ્લે લખવાનું કે ઘડી ઘડી ધોવાતાં આ જીનની ચારે કોર દ્વિધાના અકળામણના સળ પડ્યાં છે ઊંડા સળ પડ્યાં છે જીનની ઉપર યુએસએમાં યેનકેન સેટલ થવાના સેટલ થાવાની શરતોના શરતોને આધીન થવાના આધીન થઈ ઍડજસ્ટ થવાના મેડિકલને વશ થવાના સૉશ્યલ સિક્યુરિટીને પરવશ થવાના યુએસએમાં વડોદરાને વશ થઈને બેઠી છું હું બહુ વખતે વળગણ લખવા આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા -ચંદ્રકાન્ત શાહ
 [પાછળ]     [ટોચ]