[પાછળ]

એ...લિ વ્યંજના

‘એ...લિ વ્યંજના ! આમ આવ તો ?’ (બંધ બારણે મોટે ટેબલ બાઈ વ્યંજના બેઠાં ! બાનો બોલ સુણી ઝટ દઈને એ શાનાં ઊતરે હેઠાં ?) ‘એ...લિ વ્યંજના ! એ...લિ વ્યંજના, જવાબ કેમ ન દેતી ?’ (સામો બોલ દિયે એ બીજી ! બોલાવે ને ભલે બધાંયે ઊંચે ઘાંટે ખીજી ! ધીમે બોલી અંદર જોતાં ઠાઠ જુએ બા રીઝી) ‘શાણી બગલી ! દાદાજીનાં ચશમાં મોટાં ઊઁધા આંખે ઘાલી ડાબા હાથે દાદાજીની લેખણ અવળી ઝાલી મોટો આ કાગળ કોરો ભરતી ઠાલી ઠાલી ? બોલ, હવે તો બોલ જરા – ઓ નીચું માથું ઘાલી બીડ્યા મોંએ ગણગણતી તું કહે અહીં શું કરતી ?’ ‘જો, બા, જો ! તું ના દેખે ? હું કવિતા કવિતા રમતી !’
-સુંદરજી બેટાઈ
[પાછળ]     [ટોચ]