ઉરના એકાન્ત મારા ભડકે બળે
સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
હૈયાના હેત તો સતાવે સાહેલડી
આશાની વેલ મારી ઊગી ઢળે
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
ચડ્યું પૂર મધરાતનું ગાજે ભર સૂનકાર
ચમકે ચપળા આભમાં
એવા એવા છે પ્રિયના ચમકાર રે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર
ઊને આંસુ નયનો ભીંજે
એવા એવા ભીંજે મારા ચીર રે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
અવની ભરી વન વન ભરી ઘૂમે ગાઢ અંધાર
ઝબકે મહીં ધૂણી જોગીની
એવા એવા છે પ્રિયના ચમકાર રે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર
પડે પતંગ મહીં જલે
એવી એવી આત્માની અધીર રે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
ખૂંચે ફૂલની પાંદડી ખૂંચે ચંદ્રની ધાર
સ્નેહીના સંભારણાં
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર રે સાહેલડી
ઉરના એકાન્ત મારાં ભડકે બળે
-મહાકવિ નાનાલાલ |