સફળ જાત્રા
કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ
રામેશ્વર ચડાવવા ચાલિયા સકળ
અંગારા વરસાવતો આકરો ઊનાળો
ધૂળ ધખધખ કરે ધરા કાઢે ઝાળો
હરિનામઘોષ સાથે સંઘ ચાલ્યો જાય
ત્યાં ધખેલી ધૂળમાં કો ગર્દભ જણાય
તરસે તરફડતો રોકી પથપાટી
પડેલો જીભડી બહાર આંખો જતી ફાટી
હરિજનો કરુણાથી બોલી હરિ હરિ
ઉતાવળા ચાલ્યા આગે સ્થળ પરહરી
દ્રશ્યથી દુઃખિત ભાવે જન એક તહીં
ગંગાજળ ખાલી કરે ખરમુખમહીં
જળપાને આય આવી ખર ઊભો થાય
નેને મૂંગી આશિષ દઈને ચાલ્યો જાય
જાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ
ઠેકડી કરવા લાગ્યા વ્યંગમાં તમામ
એક ડાહ્યો આવી વદ્યો મૂર્ખ ગંગાજળ
બગાડ્યું તેં ફેરો તારો જશે રે અફળ
હવે રામેશ્વર જઈ શાનો અભિષેક
કરીશ ગધેડા જેવું કર્યું તેં તો છેક
ગધેડાનો પ્રાણદાતા કહે જોડી કર
નેત્રજળે ન્હવાડીશ પ્રભુ રામેશ્વર
-પૂજાલાલ દલવાડી |