સુરપાણનો ધોધ
આ ક્યાંથી ગગડાટ અંબર મહીં ના મેઘખંડે દીસે
વા માઝા મૂકી સિંધુ ફાળ ભરતો આવે ધસી આ દિશે
કે વિંધ્યાચળના ભયાનક વને ત્રાડી રહ્યો કેસરી
પ્હાડો યે ધડકે ભરાય ફટકે ફાટી પડે દિગ્ગજો
કે આ પ્હાડી પ્રદેશમાં અરિદલો બે સામસામાં અડ્યાં
ખાઈમાં લઈ આશરો ખડકના ઓથા તળે મોરચા
માંડી ભીષણ તોપના મુખ થકી વર્ષાવતાં મોતને
તેનો આ ધડુડાટ નાદ પડઘા પાડે વનેથી વને
ના એ તો સુરપાણનો અહીં કને ગાજી રહ્યો ધોધવો
વેગી વારિપ્રવાહ સાથ ભૂસકા પ્હાડો થકી મારતો
ચૂરા વજ્જર શૈલનાં કરી તળે પાતાળ ઢંઢોળતો
નિદ્રાને ઝબકાવતો હરિ તણી ત્યાં શેષશય્યા મહીં
પેલો એ રવિબિંબથી ઝગમગી ઊઠેલ સામો ધસે
શું એ મંત્રવિમુક્ત ઉગ્ર ધસતું બ્રહ્માસ્ત્ર સાક્ષાત્ હશે
માંડી મીટ શકે ન નેત્ર કપરો આ તેજ અંબાર શો
થંભી જાય પદો સકંપ જતને એની સમીપે જતાં
ઊડે શીકર શ્વેત ધુમ્મસ રચે મધ્યાન્હ વેળા છતાં
અંગે અંગે ન્હવાડતાં મૃદુલ ને શીળાં રુચે ઝીલવાં
જો તેમાં ધનુ ઈન્દ્રનાં અણગણ્યાં ખેંચાઈ કેવાં રહ્યાં
સાતે રંગ સહાસ રાસ રમતાં આ તાંડવી તાલમાં
કોની છે મગદૂર કે ઉર ધરે આ ધોધધારા તળે
એના ઘોર નિનાદ પાસ જમશા વ્યાઘ્રો ય જાતાં છળે
ને એની નિકટે અહીં ભૂલ થકી આવેલ આ નર્મદા
ભાગે ફાળ ભરી ત્વરી હરણની ફાળે તજી આ દિશા
- પૂજાલાલ દલવાડી
|