મેટ્રિકની મહેફિલ
શિખંડપૂરી પાતરાં ફૂલવડી કઢી કાતળી
પલાશ પતરાવળે પીરસી સર્વ સ્નેહી મળી
સુદૂર સવિતાતટે સુહત શંભુને મંદિરે
જમી રમત કૈં રમી તરુ તળે પડ્યા સૌ ઢળી
અજેય ગઢ આજ શો સર કીધો છટાથી અને
અનન્ય પ્રતિભા વડે અમર ઈંદ્રકીર્તિ વરી
હજી ય જગ જીતશું લસલસાટ એ ઘેનમાં
ગયાં નયન ત્યાં મળી ગગનસ્વપ્નને ગૂંથતાં
ઊઠ્યા શ્રવણ ભેદતી કરુણ કારમી ચીસથી
ગયા સહુ સ્મશાન ડાઘુ સહ કોઈનો લાડકો
કિશોર-અમ ભેરુ-જૂજ ગુણ ખૂટવે ઝેર પી
-અને સ્વજન જીવને ય દઈ ઝેર-મુવો હતો
શમી ગઈ ચિતા શમી રુધિરરંગી સંધ્યા અને
શિખંડપૂરી યે પચ્યાં નિયતિચક્ર કેરે ક્રમે
-રમણિક અરાલવાળા |