[પાછળ] 
હું આગ બુઝાવી જાણું છું

નાનીશી  એક જ  ફૂંક  ઉપર  સંસાર  રચાવી  જાણું છું
હું  ઈશ્વરનાં  સઘળાં  સપનાં  સાકાર  બનાવી  જાણું છું

માનવ છું  નાનો  તો યે  વિરાટ  સરીખું  જીવન જીવું છું
હું  એક જ  કંકર  મારી  પારાવાર  હલાવી   જાણું  છું

ગંજાવર તારાં  વિશ્વો  મુજ  આંખલડી  સામે  કાંઈ નથી
મુઠ્ઠીભર દિલમાં તુજને  પણ  આખો ય સમાવી જાણું છું

છો દુઃખ મળે  છો દર્દ મળે  છો ને  તોફાન  જગાવે  તું
હું તો  વણમાગ્યું જીવન પણ  દિલથી અપનાવી જાણું છું

ચિરકાળ  નિરંતર  વિશ્વ રચે તું   એમાં મોટી  વાત નથી
અનુભવ પણ લીધા વિણ  હું તો સંસાર ચલાવી જાણું છું

જીવનનો  ખેલ  બનાવ્યો છે  તો  આવ  દિલાવર ખેલાડી
હું  આખી  બાજી  જીતીને  પણ  દાવ  ગુમાવી  જાણું છું

સળગાવી  જ્યોત  નિરંજન  તેં   હું  શ્વાસે શ્વાસે  ફૂંકું છું
તું આગ  લગાવી જાણે  છે  હું  આગ  બુઝાવી  જાણું છું

-નિનુ મઝુમદાર
 [પાછળ]     [ટોચ]