હરિ લખે તો બને
કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને
કે કાગળ હરિ લખે તો બને
મીરાં કે પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને
કે કાગળ હરિ લખે તો બને
(તા. ૨૫-૧૦-૧૯૮૨)
- રમેશ પારેખ |