તિથિ ન જોશો ટીપણે
માર્ગમાં કંટક પડ્યાં
સૌને નડ્યાં
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો
સત્યના અમોઘ મોંઘા જાદુનો
તિથિ ન જોશો ટીપણે
ગાંધી જયંતિ તે દિને
અન્યાય નીચી મૂંડીએ
ના લીધો સાંખી
દુર્ગંધ પર મૂઠી ભરીને
ધૂળ નાખી
ઉકરડો વાળી-ઉલેચી
સૃજનનું ખાતર રચ્યું
અબોલા ભંગાવવા-
એ વાતમાં મનડું મચ્યું
કંઈક આમાંનું બને
ગાંધી જયંતિ તે દિને
તિથિ ન જોશો ટીપણે
ગાંધી જયંતિ તે દિને
મુર્ખને લીધા નભાવી
ધુર્તને યોજ્યા જગતકલ્યાણના
પથમાં પટાવી
હૈયું દીધું તે દીધું
પાછા વળી- ખમચાઈ ના કંઈ
ગણતરીથી સાંકડું કીધું
દૂભ્યાં-દબાયાં કોઈનું
એકાદ પણ જો આંસુ લૂંછ્યું
દાખવ્યું ઘર મનુજ કેરા
માહ્યલાંને વણપૂછ્યું
હૃદય જો નાચી ઊઠ્યું
અન્યના સાત્વિક સુખે
તિથિ ન જોશો ટીપણે
ગાંધી જયંતિ તે દિને
-ઉમાશંકર જોશી
|