[પાછળ]
મરજીવિયા

સમુદ્ર ભણી  ઊપડ્યા  કમરને  કસી  રંગથી
અટંક  મરજીવિયા  ડગ  ભરંત   ઉત્સાહનાં
પ્રદીપ્ત નયનો  અથાગ બળ ઊભરે  અંગથી
મહારવ  તણી  દિશા પર ઠરી  બધી ચાહના

ડર્યાં પ્રિયજનો બધાં  સજલનેત્ર  આડાં  ફર્યાં
શિખામણ દીધી  વૃથા જીવન વેડફો કાં ભલા
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા
પરંતુ  દ્રઢનિશ્ચયી  નહિ  જ  એમ વાર્યા વર્યા

ગયા  ગરજતા  અફાટ   વિકરાલ   રત્નાકરે
તરંગ ગિરિમાળ  શા  હૃદય  ઊપરે આથડ્યા
હઠ્યા ન લવ તો ય સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ  જળમાં  પ્રવેશ  કીધ  કાળને ગહ્‌વરે

ખુંદ્યાં મરણનાં  તમોમય  તળો  અને  પામિયા
અખૂટ મણિમોતીકોષ લઈ બ્હાર એ  આવિયા
- પૂજાલાલ દલવાડી
[પાછળ]     [ટોચ]