[પાછળ] |
આ તો ઈશ તણો આવાસ (ईशावास्यम् इदम् सर्वम्) આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહિ સ્વામી નહિ દાસ આ તો ઈશ તણો આવાસ એ પીરસે તે ખા તું રસથી એ આપે તે લે એનાં જનને તારાં ગણીને એ રાખે તેમ રહે વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશ તણો આવાસ અખંડ ચાલે બ્રહ્મચિંચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવ રે’જે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે કામમાં ના’વે કદીય કચાશ આ તો ઈશ તણો આવાસ તું અથરો નવ થાજે જાવા નવ રે’જે વળી ચોંટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી સુધાસમ સમજી સહ્યારી છાશ આ તો ઈશ તણો આવાસ -કરસનદાસ માણેક |
[પાછળ] [ટોચ] |