[પાછળ]
પૂર્ણ રૂપે વ્યક્ત થા

પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.
વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કુમળી વેલનો  આધાર બન.

પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે, 
તું અલૌકિક સુરભિનું આગાર બન.
ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો  સંચાર બન. 

કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વારંવાર બન.
આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.

-રાજેન્દ્ર શુક્લ 
[પાછળ]     [ટોચ]