[પાછળ]

એક જૂની ખાતાવહી આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર જમા માત્ર ઉઝરડા આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ ને વાયદા બધા માંડી વાળેલા સપનાં વિશે વિગત નથી ખાસ આટલું જોયું માંડ ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા કહે છે અમે તો કાયમના માગણ વિતેલાં વર્ષો પણ ડોકાવા લાગ્યાં ને ભીંજાયા ચોપડાના કાગળ અંધારું હળવેથી ઓરડામાં ઊતર્યું ને સાચવી રહીને બધું લૂછ્યું આખીય રાત પછી આંખો મીંચાય કંઈ પડખાં બદલતાં મેં પૂછ્યું કોણે લખેલી આ કોરી કિતાબ છે કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે - કાજલ ઓઝા વૈદ્ય

[પાછળ]     [ટોચ]