[પાછળ]
ચંપામાસી
ચંપામાસી ?! માથામાં મણ-મણનું કોપરેલ નાંખ્યું ને ચોટલી બે બાંધી છે પાછી, બોલો, લાગું ને સાવ ચંપામાસી?! મમ્મીના સેન્ડલ ચડાવીને ઘરમાં હું ટપ્-ટપ્ ચાલું કેવી વટથી; મોઢા પર લાલી-કાજળના લપેડા આપણે તો કાયમની મસ્તી, મમ્મીનો દુપટ્ટો ખોવાયો હોય તો સમજી લો, પહેરું છું સાડી. બોલો, લાગું ને સાવ ચંપામાસી?! ચાંપલી-ચમેલી કહી પપ્પા ચિડાવે પણ લાગે ન સ્હેજ મને ખોટું, પપ્પાને એમ કે હું ભેંકડિયા તાણીશ પણ ડેડી! આ બચ્ચું છે મોટું; મમ્મી આ ખેલ જોઈ દૂરથીને દૂરથી આપે છે મને શાબ્બાશી. બોલો, લાગું ને સાવ ચંપામાસી?! (૦૮-૦૩-૨૦૧૮) -વિવેક મનહર ટેલર
[પાછળ]     [ટોચ]