[પાછળ]

લગ્નનો અર્થ

લગ્નનો અર્થ તો સરલ છે
યશદેવીને પૂછો, પઢાવશે
પતિએ પત્નીવ્રત લેવું
ને પત્નીએ પતિવ્રત લેવું :
એવી પરસ્પરની પુણ્યપ્રતિજ્ઞા તે લગ્ન

મહાપ્રતાપી માર્તંડરાજ
ને સુધાભરી શશીલેખા સમી
પુરુષસુન્દરીની બે તેજકલાઓ
અન્યોન્યને શણગારે ને શોભાવે !

આત્માના ઓજસ ને શરીરનાં સૌંદર્ય
વિલસાવે અને વિકસાવે :
અન્ધકારની ગુફાઓ અખંડ અજવાળે :
સંસારમાં સ્નેહના સ્વર્ગ સરજાવે !

એકબીજાની સફલતા સધાવે :
અને કલ્યાણપંથની પ્રેરણાઓ સમાં
પરસ્પરને પ્રભુતામાં પ્રેરે
એ લગ્નવ્રતની દીક્ષા.

રાજ્ય અને સંસારના પણ કરતાં
એ ભાવ જૂના છે જગતમાં.
(ઈન્દુકુમાર - અંક ૧લો)
-મહાકવિ નાનાલાલ
[પાછળ]     [ટોચ]