[પાછળ]
અમે મનુજ
અમે મનુજ! વિશ્વની સકલ યોજનામાં અમે
રહ્યા સતત અગ્રણી; પરમસત્ત્વ આ સૃષ્ટિમાં!
અમે મનુજ! બુદ્ધિના વિરલ વૈભવે સોહતાઃ
અમે સકલ સર્જને શિરકિરીટ જેવા રહ્યા!

અમે મનુજ! બુદ્ધિ તીવ્ર અમ વિશ્વના ભેદને
ઘડીક મંહી દે કરી સુતર સોહ્યલા સર્વથા;
ઘડીક મંહી બુદ્ધિ તીવ્ર અમ એ જ પ્રશ્નો કરી
રચે ગહન કોયડા જ અમને ય મૂંઝાવતા! 

અમે મનુજ! બુદ્ધિથી સબળ આ અમારી અમે 
મહા મનુજ વંશને  પશુ દશાથી ઉદ્ધારિયો;
અને સબળ બુદ્ધિ એ જ મનુવંશને પાશવી
દશા મંહી કરી રહે વિલસતો અને રાચતો!

અમે મનુજ! બુદ્ધિના અમ અમાપ સામર્થ્યથી
અમે  મન-શરીરની  સકલ શૃંખલા  ભેદતા;
અને અમ સમર્થ બુદ્ધિ નિત શૃંખલાઓ નવી
રચી જ અમ બાંધતી મન-શરીરને સર્વદા!

અમે મનુજ! આ અનન્ય અમ બુદ્ધિના વૈભવે
પ્રતિછવિ અમે બન્યા અતિસુરેખ સ્રષ્ટાતણી;
અને અવ અનન્ય બુદ્ધિ અમ એ જ સ્રષ્ટાતણાં
સ્રજે છ ગુણ, રૂપ, જ્ઞાન, વળી કર્મ, આકારને.

અમે મનુજ! બુદ્ધિમાં અમ અસીમ શ્રદ્ધા રહી;
ને ન અમ બુદ્ધિને ગણતરી ય શ્રદ્ધા તણી!
અમે મનુજ! કેન્દ્ર સૌ જગતનાં ય બુદ્ધિ વડે;
અને જગતને જ કેન્દ્ર  અમ બુદ્ધિ માની રહી!
(‘આરાધના’, પૃષ્ઠ ૪૪-૪૫)

-મનસુખલાલ મગનલાલ ઝવેરી
[પાછળ]     [ટોચ]