[પાછળ]
દુખિયારાજી

દુઃખની દવા શોધવા નીકળ્યા રે દુખિયારાજી પરસેવામાં ભરી બજારે પીગળ્યા રે દુખિયારાજી હર હાટડીએ કાગળિયો બતલાવે રે દુખિયારાજી વાંચીને વેપારી ડોક ધુણાવે રે દુખિયારાજી કોઈ વળી કૂણો તે સામું જોવે રે દુખિયારાજી લાખોમાં આ રોગ એકને હોવે રે દુખિયારાજી દવા ન એની ચોરે-ચૌટે મળતી રે દુખિયારાજી મળતી તોય તે ભાગ્યે લાગુ પડતી રે દુખિયારાજી હતાશ હૈયે હાટ સોંસરા ચાલ્યા રે દુખિયારાજી કાગળિયાની કરચ ઉડાડી ચાલ્યા રે દુખિયારાજી ગામસીમાડે ઝાડ, મજાની છાયા રે દુખિયારાજી હોલાજીની ધૂન, ઢાળી ત્યાં કાયા રે દુખિયારાજી સમણે આયા સંત, બાત બતલાયા રે દુખિયારાજી બિના દુઃખકે કૌન મનુષ કહલાયા રે દુખિયારાજી -જયંત પાઠક
[પાછળ]     [ટોચ]