[પાછળ]
આજ નથી જાવું બસ...વેણીભાઈ
આજ આખી આલમથી અલગારી છુટ્ટી
જિંદગીને  લાધી  ગઈ   કૈંક  જડીબુટ્ટી

આજ નથી મહેરબાન થાવું આ ગામ પર
આજ નથી જાવું બસ કોઈના ય કામ પર

ચોમાસું  આવે  ને  યાદ  આવો  તમે
દિલને  ગુલાબી  આ  ગમગીની ગમે
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે

આજ મને આવી છે  ઊલટ  આરામ પર
આજ નથી જાવું બસ કોઈના ય કામ પર 

ધુમ્મસિયું આભ અને અજવાળું પાંખું
સૂરજને  ગેબ  ગેબ  ગોખલામાં નાખું
સપનું છે ચોખ્ખું  પણ  જોણું છે ઝાંખું

આજે  હું  તરસ્યો  છું  તીરથ  ધામ પર
આજ નથી જાવું બસ કોઈના ય કામ પર

રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ
કેફ  હોય   મૃગલું,  માતંગ  કે કાંગારું
બંદરના  વાવટાને   કહો   વારુ   વારુ

આજે  હું  આફરીન  અંધા  અંજામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર
-વેણીભાઈ પુરોહિત
[પાછળ]     [ટોચ]