[પાછળ] 
અષાઢસ્ય પ્રથમ દિને

એવા ભર્યા છે શું ભલા જંતર અષાઢમાં;
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.

ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.

કોઈ તરસતી છે જો યુવાની ધરા રૂપે,
કોઈ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.

જોજે ન લાગે કોઈ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર! થા ન આટલો સુંદર અષાઢમાં.

અલકાની યાદ આવી તરત જાય છે ઉરે
નેવા નીચે નિહાળી કબૂતર અષાઢમાં.

-મનોજ ખંડેરિયા
 [પાછળ]     [ટોચ]