[પાછળ]

મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં

ઘેનની ઘૂંટી પાઈ રોમ રોમ આ રતમાં રાખી શકાય મરજાદમાં? મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં મીઠેરા ગહેકારે મોભથી સરી આવ્યાં સેંકડો ગરોળીના ગલ વિરહાકુલ હૈયાની ક્યારીમાં રેલાયાં વખડે વલોવાયાં જલ કેટલાય હાયકાર બાઝ્યાનો અંદેશો છૂટા પડેલ એક સાદમાં મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં વાડામાં શ્રાવણનાં ઝરમરિયાં ઝૂલે ને આંગણે અષાઢની હેલી ભૂંડા ભાદરવા, તું જોવા ન પામશે ગારાની ભીંત આ ઊભેલી વનના ને મનના મોરલિયાનું સહિયારું સાવ રે સુંવાળા અપરાધમાં મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં આખા તે ઘરની એકલતાને લીધો છે ભીનાશે કારમો ભરડો કાને અથડાઇ કૂંણી કાંટાળી ડાળ પડ્યો હૈયામાં ફૂલ-શો ઉઝરડો આખાયે માળાને મ્હેકતો કરી મેલ્યો પંખીએ પંખીની યાદમાં મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં

- ‘ગની’ દહીંવાલા
 [પાછળ]     [ટોચ]