[પાછળ]
બે-ચાર આંસુમાં
 
અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં,
છુપાયો છે છૂપી રીતે  જગત-કિરતાર આંસુમાં.

કહીં આનંદથી ઊભરે, કહીં પર શોકથી વહેતાં,
તરે છે ને ડૂબે છે આ સકળ સંસાર આંસુમાં.

ભૂમિ, આકાશ ને પાતાળમાં પણ ધૂમ છે એની,
ખબર નહોતી હશે આવી અસર બે-ચાર આંસુમાં.

હજારો આશ અંતરની વસી છે બુંદ પાણીમાં,
હું એનો આ જ શોધું છું ડૂબીને સાર આંસુમાં.

હૃદય જે બા’ર આવે છે હશે એમાં હૃદયમૂર્તિ,
જરા તું ધ્યાનથી જો તો ખરો પળવાર આંસુમાં.

વ્યથા એને ન થાયે એ જ ચિંતા થાય છે એથી,
હૃદયનો શોક ચમકે છે બની શણગાર આંસુમાં.

લડે છે હર ઘડી આશા નિરાશા મુજ હૃદયમાંહી,
કરે છે બા’ર આવીને પરસ્પર પ્યાર આંસુમાં.

નથી નિશ્ર્વાસમાં ‘શયદા’ નથી મારા તડપવામાં,
કથા મારા જીવનની છે ફક્ત બે-ચાર આંસુમાં
-હરજી લવજી દામાણી ‘શયદા’
[પાછળ]     [ટોચ]