કોઈ જોડે કોઈ તોડે
કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
કોઈ ગુમાને ઉર-અરમાને અમથું મુખડું મોડે
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે
- ઉમાશંકર જોશી
|