[પાછળ]

એક રાજાની ટેકના
મધ્યકાલીન કિસ્સાના દૂહા

સાંભળો છો કે શાયબા, મારી કાયા કરમાણી એક માખીને કારણે મારી ઊંઘું વીંખાણી. ૧ પોઢી હતી પલંગમાં, વસમા દી વૈશાખ વાયરો રહી ગ્યો વાલમા, મારે મોઢે બેઠી માખ. ૨ ઉડા઼ડું તો ઊંઘ ઊડે, ને ઓઢું તો અકળાઉં ધાડ પડે ધોળે દિયે, હું લાખેણી લૂંટાઉં. ૩ રે'વું ન તારા રાજમાં, મર કાળા કળેળે કાગ નીંદર નાવે નેનમાં, મારે અંગ ઊઠે આગ. ૪ ડાબો મેલ્યો ડાયરો ને જમણી જળની વાટ પરણી પીયર સંચરી, અરે દૈવે વાળ્યો દાટ. ૫ હાલકહૂલક થૈ રહ્યું, જાણે ચૌટે પેઠો ચોર ગરજ્યો ગઢવી ઓટલે, જ્યમ ગરકે ગિરમાં મોર. ૬ કાળી ટીલી કનકની, ખોટ ખતરિયાં વટ્ટ ધિંગાણા ધોળે દિયે, તેને ઝીંકે નહિ ઝાપટ્ટ. ૭ ધીક હજો ધરણીપતિ, તું મૂંછો શેની મરડ પરણી પોષાણી નહિ, તારો ઠેલો મેલ્યને ઠરડ. ૮ વેલો આવે વીઠલા, મારે હાથ નથી હથિયાર આ મેણાથી મુકાવવા, તું ચડજે મારી વાર. ૯ વેગે ધાયો વીઠલો, કરતો કપરી કૂચ મેણિયતે માથું ધર્યું, તેની મૂંડી નાખી મૂંછ. ૧૦ ધન રાણી, ધન ચારણા, ધન રાજા ભરથાર ધન વાળંદ વીઠલા, મેણાં ફેડણહાર. ૧૧

-રામનારાયણ વિશ્વનાથ પાઠક
[પાછળ]     [ટોચ]