પથ્થર મળ્યા બે
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.
જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.
પંડની પીડા વિશે કહેતા મને આવું સૂઝે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બૂઝે છે!
-અનિલ ચાવડા |