મને કોણ ફરી બોલાવે?
કોણ ફરી બોલાવે?
મુજ વિદાય સમયે કો આ, મને પાછળથી બોલાવે?
મને કોણ ફરી બોલાવે?
રે! ‘જા મા! જા મા !’ એવાં,
આ ઘર ઘરનાં સૌ નેવાં
છલ છલ થાતાં હીબકાં લેતાં, વચનો કેમ સુણાવે?
મને કોણ ફરી બોલાવે?
આ વનની કુંજે કુંજે,
આ ફૂલ તણા નવપૂંજે
રે ભીની વ્યાકુળ આંખો કોની હૈયે અશ્રુ વહાવે?
મને કોણ ફરી બોલાવે?
આ અનિલની લહરે લહેરે,
આ ગિરિ ગિરિઓની કુહરે
રે મુખરિત નિ:શ્વાસો આ કોના, પ્રાણે કંપ જગાવે?
મને કોણ ફરી બોલાવે?
આ અસીમ નભની સીમા,
નિજ આતુર સાદે ધીમા
મુજ આગળ વધતાં અસ્થિર ડગલાં,
ક્યમ ફરી પાછાં વાળે?
મને કોણ ફરી બોલાવે?
નહીં પ્રયાણ શકું આ ટાળી,
ક્યમ સ્નેહ શકું વળી ખાળી?
કે કહો ધરતીની રજરજને, વિદાય હવે અપાવે !
મને કોણ ફરી બોલાવે?
મુજ વિદાય સમયે કો આ, મને પાછળથી બોલાવે?
મને કોણ ફરી બોલાવે?
-સ્નેહરશ્મિ
|