[પાછળ]

હું આજ બનું છું લોઢું હું આજ બનું છું લોઢું. તપી ટિપાતાં, ઘાટ ઘડાતાં મૂલ્ય વધે છે દોઢું. હું આજ બનું છું લોઢું. ઉરની મારી એરણ ઝીલે ઘાવ અનુભવ-ઘણના, શેર બશેરે ના કંઈ ગણના, ઘાવ અહીં મણ મણના. ઢેફાં સાથે, ધરતી માથે પથ્થર થઈને પોઢું હું આજ બનું છું લોઢું. માટી જેવો પોચો તો યે જ બનું છું માટી, પીધી આજે વિષમ વેદના ઘૂંટી ખરલે ઘાટી, દિલનાં દુઃખ સૌ દિલમાં દાટી મલકાવું છું મોઢું. હું આજ બનું છું લોઢું. કોણ આવશે, ઓળખશે આ અંતર આળું મારું કોણ આવશે પ્રકાશ વેરી ? હટાવશે અંધારું એવી એવી આશાઓની રોજ રજાઈ ઓઢું હું આજ બનું છું લોઢું. (તા. ૨૮-૬-૧૯૫૬) દિનકરરાય વૈદ્ય ‘મીનપિયાસી’
[પાછળ]     [ટોચ]