સહસ્ત્ર શત ઘોડલાં
સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાંતથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થા ચડ્યા;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રુજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી,
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી
કરાલ થર ભેખડે, જગત કાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક: શિર રક્તનાં વારણાં
ધસી જગત ખૂંદશે? અવનિઆભ ભેગાં થશે?
ધડોધડ પડી-ખરી ગગન ગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!
-કૃષ્ણલાલ શ્રીધરાણી
|