[પાછળ]
પાઓ પ્રેમરસ પ્રાણજીવન

પાઓ   પ્રેમરસ   પ્રાણજીવન   દીન  થઈ  યાચું રે
મુક્તિમાર્ગીને  આપજો   જ્ઞાન  હું  તો  નવ રાચું રે
રીઝે રાબડી થકી ગરીબલોક  ભોગીને નવ ભાવે રે
અમો રાજનાં  ખાસાં  ખવાસ  મુક્તિ  મન ના'વે રે

નિત્ય  નીરખીએ   નટવરરૂપ   હોંશ   મનમાંથી રે
મનમાન્યું   મળે  સહુ   સુખ   એકતામાં  ક્યાંથી રે
દિવ્ય  રૂપ  છો   સદા  સાકાર  આનંદના  રાશિ રે
બોલે  અનુચિત  માયિક   મુગ્ધ   નરકના  વાસી રે

દુષ્ટ  જીવને   કહે   છે   બ્રહ્મ   જીવ  બ્રહ્મ  લેખે રે
છતે  સ્વામીએ  સુહાગનું   સુખ  સ્વપ્ને  ન  દેખે રે
આપ સ્વામી  સદા  હું  દાસ  નાતો  એ નિભાવો રે
રુચે  આપને  પડો  એવી  ટેવ  અન્ય  રખે  પાડો રે

વિના  લાલચનું   લાલ  વ્હાલ   આટલુંક   આપો રે
વિષયવાસના  પ્રપંચની  પ્રીત  કૃષ્ણ   મારી કાપો રે
અનન્ય  સેવા   અખંડ  સતસંગ  મનોહર   માંગું રે
દયા  પ્રીતમજી આપો મુને  એહ  પાયે લળી લાગું રે
-દયારામ
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]