[પાછળ] 
દિવંગત ગુરુદેવ ટાગોરને

મૃત્યુ તો તમને લેવા આવ્યું, માન્યું લઈ ગયું,
તેણે ખોલી જહિં મુઠ્ઠી ત્યાં તો ભોંઠું પડી ગયું.

આશ્ચર્યે તે ‘અરે ક્યાં તે’? વદીને નિરખે પૂઠે,
હૈયે હૈયે તમારી એ નિહાળે છબી જે ઊઠે.

ભવ્ય એ જિંદગાનીની પાસમાં વામણું બન્યું,
જીતવા આવિયું  તેને  પતાકા જયની થયું,

તેજે જે પ્રજ્જ્વળી ઊઠ્યાં સૂર્ય, તારા, નિહારિકા
તેજેથી સળગે નિત્યે એ જ જે પ્રાણની શિખા,

મથ્યું એ ફૂંકથી તેની ઓલવી નાખવા જ એ;
             –વિરાજે એ અને હસે!
આવ્યું'તું જિંદગી લેવા, આપી ગયું અમરત્વ એ.


-પ્રહ્લાદ પારેખ
 [પાછળ]     [ટોચ]