[પાછળ]
આ ભોગાવો !?!

આ ભોગાવો !?! લુખ્ખા તરસ્યા પહોળા પટમાં જરઠ કાળના ભાંગ્યા ટુકડા વેરાયા થઈ પ્હાણ… સૂસવતી…ભમે સતીની આણ… [રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા, પથ્થર પથ્થર પર વરતાતી કોક આસૂરી છાયા!] કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ… દાઢ દબાવી ઊભો ગઢ, ભેંકાર મહીં માતાના મઢ વિધવાની વણઝાર સમાં સૌ મકાન… ...વચ્ચે ભમતી ભૂખી ગલીઓ… અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર [હજીય ઝંખે કંકુપગલાં -ચૂંદડિયાળાં ચીર!] પથ્થર-ચીતર્યાં ઘોડા ઘૂમે, પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે, ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ… ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ… આ ભોગાવો! કોરી રેતી...... કોરા પ્હાણ…... કાંઠે– ખાલી ખપ્પર લઈને બળબળતા સૂરજની સામે ધૂણી રહ્યું વઢવાણ!

-વિનોદ અધ્વર્યુ
[પાછળ]     [ટોચ]