[પાછળ]


જાન જનાવરની મળી

જાન જનાવરની મળી  મેઘાડંબર ગાજે
બકરીબાઈનો  બેટડો  પરણે  છે આજે

ઢોલ નગારા ભેર ને શરણાઈના સુર તીણાં
સો  સાંબેલા શોભિતા  બેટા  બેટી ઘેટીના

ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો
દોડે વરનો બાપ ત્યાં  દડબડ દાઢીવાળો

સાજનનું   શું  પૂછવું  બકરે  કરી જોરો
ભેગા કર્યાં છે ભાવથી  મોટાં મોટાં ઢોરો

રાતા માતા આખલાં  રાખી શિંગડાં સીધાં
આગળ માગ મૂકાવતાં પદ પોલિસ લીધાં

સાજને શ્રેષ્ઠ જ ઊંટડાં હીંડે ઊંચી ઓડે
એનાં  અઢારે વાંકડાં  કામદારોની ગોડે

હારમાં એક બે હાથી છે મોટા દાંત જ વાળા
નીચું  ન્યાળીને  ડોલતાં  હીંડે  શેઠ  સુંઢાળા

હાથી થોડા તો છે ઘણાં હાર રોકતાં પાડા
કાળા કઢંગા ને  થયાં ખડ ખાઈ જડ જાડા

આંખ ફાટી છાતી નીસરી કરતા ખૂબ ખૂંખારા
હીંડે ઊછળતા ઘોડલાં  શાહ જન  થઈ સારા

ટટ્ટુઓ ટગુમગુ ચાલતાં  પૂંઠે ગરીબ ગધેડા
હાજી હાજી કરી હીંડતાં ડીફાં વિના અતેડા

હારોહાર  હજારો  આ  માંહો  માંહે   લપાતા
કોણ આવે કામળો ઓઢીને એ તો ગાડર માતા

પિતરાઈઓ વહેવાઈના એને અક્કલ ન કોડી
આડા અવળા  એકેકની પૂંઠે  જાય જો  દોડી

બકરા તો  વરના બાપ છે હોય એનું શું લેખું
શું સાગર શિંગડા તણો હું તે આજે આ દેખું

વરનો તે ઘોડો આવિયો વાજે વાજાં વિલાતી
ભેર ભૂંગળ ને ઝાંઝરી ભેગું  ભરડતી જાતી

વર રાજા  બે માસનું  બાળ  બેં બેં કરતું
ઝડપાયું ઝપ ઝોળીમાં મન માડીનું ઠરતું

મંગળ બકરી માઈ તો ગાય હરખી હરખી
જોડે જાંદરણી ઘણી  કોડે જોવા જ સરખી

બકરી  બાઈ   એ  નાતની  ને  બીજી  ઘણીઓ
આણી આડોશપાડોશણો બાઈતણી બેનપણીઓ

ભેંસ ભૂંડણ ને  ઊંટડી  ઘેટી  ઘોડી ગધેડી
ગાય બિલાડી ઉંદરડીને એક કૂતરીએ તેડી

વાંદરિયો વીસર્યાં નથી દશ વીશ આ કૂદે
સાથે  સામટાં ગાઈ  સૌ  સાતે સૂરને છૂંદે

કોઈ બેંબેં  કો ભેંભેં કરે  કોઈ ભૂકતી  ભૂંડું
કોઈ ચુંચું મ્યાઉં મ્યાઉં કરે વેર વાળે કો કૂડું

હુક હુક કરતી  વાંદરી  જો જો નાચે છે  કેવી
ધન ધન બકરી ન કોઈની જાન તારા તે જેવી

ચાર  પગાંની   જાન   આ   જોડી  બેપગાં  સારું
સમજે તો સાર નવલ બહુ નહિ તો હસવું તો વારું
-નવલરામ લક્ષ્મીરામ

૧૯મી સદીના ગુજરાતમાં વ્યાપક એવી બાળલગ્નની કુરૂઢિ પર આકરા અને કડવા શબ્દોમાં કટાક્ષ વેરતી તે સમયે લખાયેલી આ કવિતા સમજુ માણસોમાં ભારે લોકપ્રિય થઈ હતી. આ કવિતા છેક ૧૯૫૦ના દાયકા સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણાવાતી રહી હતી.

[પાછળ]     [ટોચ]