[પાછળ] 
અગ્નિકાવ્ય
સુરતમાં ઈ.સ. ૧૮૮૯માં લાગેલી મોટી આગનું વર્ણન

(ગરબી)
પ્રગટ્યો ભયંકર રૂપ અગનદેવ કે'ર કરીને
જાણે યુદ્ધે ચઢ્યો લંકભૂપ પ્રભુ પર વેર ધરીને

ઉકાળવા  મૂક્યું  હતું  ડામર  ભઠ્ઠી  પેર
સેવામાં ખામી પડી તેથી વ્યાપ્યું અગ્નિમાં વેર

દૈવી  દેહ  તજી  ધર્યું  રાક્ષસ  કેરું રૂપ
હાહાકાર કરી ચઢ્યો જાણે લઢવા અસુર ક્રૂર ભૂપ

હથિયારો  બહુ જાતનાં  ઘી લક્કડ  ને તેલ
કામડકૂટી ઝૂંપડી એ સૌએ કીધી એની બેલ

કાટપીટીયા   લોકની   દુકાનોની   હાર
પલટણ તે પાસે ખડી તેણે માર્યો અતિશેં માર

આસુરી માયા  કરે  નહિ  નિયમસર  યુદ્ધ
જે જે આવ્યું ઝડપમાં તેને પકડી કર્યું નાબૂદ

એક અનેક  થઈ  ગયાં  કીધાં રૂપ  અપાર
જ્યાં જ્યાં જઈ ઊભા રહ્યાં તૈયાર હતાં હથિયાર

ગાંધીની  દૂકાનમાં  હતાં  વસાણાં  જેહ
ભક્ષીને મજબૂત થયાં તેથી પુષ્ટ બની તેની દેહ

ઘાંચીની  દૂકાનથી  પામ્યાં  પૂજા  માન
ભોજન ઉપર ભાવતું કીધું તૂપ તણું બહુ પાન

વકરાયા વિકરાળ તે  ઘૂમ્યા સો સો દીશ
હાથ લાત ને બાથથી વાળ્યો દાટ અતિ રીસ

અદકું  હોયે  પાત્ર જેહ  દેતાં તેને  માન
ફૂલાઈ ફાલે ઘણું બુરૂં બમણું કરે અભિમાન

અનેક લીલાં  ફળફૂલો મેવા  શાક બજાર
હોમી નાખ્યાં પેટમાં પ્હેર્યાં વસ્ત્ર ઘરેણાં અપાર

ચક્કર ગોળાકાર  એ ફર્યો  દૈત્ય અદ્ભુત
જાણે ખાંડવવન બળે વિશ્વકર્મે રચ્યો દીપકોટ

રાજગૃહો સમ ત્યાં બળી હવેલીઓ દશ બાર
બીજાં પણ મોટાં બળ્યાં સુંદર ઘર સેં ચાર

નાનાં  મોટાં  રંક  ને  તવંગરોનાં  સાર
બાળી ભસ્મ કર્યાં હશે સુમારે ઘર બે હજાર

કુમ્મક કરવા  એમની પવન  મિત્ર હરખાય
રથ હાંકીને લાવતાં મન મોજાં જ્યાં લઈ જાય

એ  રીતે  એ  અગ્નિએ  હાહાકાર  પુકાર
તોબા તોબા યવનથી હાય હિંદુ મોંથી પડે બહાર

પાણી  પાણીની  પડી  બૂમો  લાખ  કરોડ
બંબા લઈ જળદેવ ત્યાં આવી કાપે અગ્નિની સોડ

(દોહરો)
પીપ કુવા ટાંકા થકી શસ્ત્ર સજીને હાથ
જળદેવ કમ્મર કસી લઢવા અગ્નિ સાથ

(શાર્દૂલવિક્રીડિત)
અગ્નિ કોટની આસપાસ ફરતો ઘેરો જ ઘાલ્યો જઈ
બમ્બા બાર દિશાથી આવી મળિયા સામગ્રી સાથે લઈ

ભાલા માફક આંકડી કર ધરી ઘોંચે ગૃહોને ગળે
મિત્રો સૌ જળદેવનાં  અગ્નિને છુંદે નળીથી જળે
(ઈ.સ. ૧૮૮૯)

-ભગુભાઈ રામશંકર જાની
  [પાછળ]     [ટોચ]