[પાછળ] 
વાહ અમલદારી!

બની અધિકારમાં અંધા, મિજાજે રે પૂરા બંદા
કૂડા કરમે  પૂરા ખંધા, અમારી એ અમલદારી

પ્રજાના પીંડમાં  પેસી,  અમે તો રક્ત પીનારા
અમારા એ શુચિ ધારા, અમારી એ અમલદારી

અમારા માનની ખાતર, ભલે ઊંધી વળે દુનિયા
છતાં ના તેહની પરવા, અમારી એ અમલદારી

ખુશામત જે કરે રુડી, ફિરસ્તા તે અમારા છે
જીગર કુરબાન તે પર છે, અમારી એ અમલદારી

ન પરવા ન્યાય નીતિની, ન પરવા રાજ્ય રીતિની
ન હો અમને કદા ભીતિ, અમારી એ અમલદારી

કરે તરબોળ ખિસ્સા જે, અમારી રે'મ તે નજરે
અવર ચઢતા શૂળી કલમે, અમારી એ અમલદારી

કમાવા દ્રવ્યની  આશે, કદા જો  શાહ  દંડાશે
અમારું તોય શું જાશે? અમારી એ અમલદારી

ન કો મિત્રો, ન કો શત્રુ, અમારે છે બધાં સરખાં
દીએ જર મિત્ર, પર શત્રુ, અમારી એ અમલદારી

ખુદાઈ  હુક્મ  કો તોડે, હઠાવે  યમદૂતો  કોઈ
અધિન આલમ કરાવા, બસ અમારી છે અમલદારી
(ઈ.સ. ૧૯૨૧)

-પટેલ જોઈતારામ ભગવાનદાસ કઠલાલકર
 [પાછળ]     [ટોચ]