રાતી રાતી પારેવાંની આંખડી
રાતી રાતી પારેવાંની આંખડી
ઝમકારા લાલ!
ચ-ટ-ક ચણોઠી રાતીચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
લાલ રતન પૂરવમાં વેર્યાં
સુરખી અદ્ભુત ઊંડી રે
આથમણી મનમોજી રંગત
છલકે તાંબાકૂંડી રે
ઝમકારા લાલ!
નયણાં નભને ઝીલે જોડાજોડ:
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજશરમની લાલી રે
ઝમકારા લાલ!
મનડું મેંદી ઝીણો છોડ:
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.
-વેણીભાઈ પુરોહિત
ક્લીક કરો અને સાંભળો
સુમન કલ્યાણપુરના સ્વરમાં આ કવિતાઃ
[આ ઓડિયો ક્લીપ પૂરી પાડવા
માટે સાવરકુંડલાના પ્રાધ્યાપક
ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.]
|