કોકે તો કરવું પડશે ભાઈ! કોક જણે તો કરવું પડશે ભાઈ! એક જણે તો કરવું પડશે ભાઈ! કશું એ ના કરવાની કેવી તામસ આ હરિફાઈ? ના ચાલે મન સર્વ ધર્યે એ, આ અવગુણ અપકાર પરે યે દિલથી કોક જણે તો અંતે કરવી રહી ભલાઈ, તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર નવાઈ! ચહુદિશ આ અંધાર છવાયાં ઘૂમે મરુદ્ગણ ઢોર હરાયાં, કોકે, નહિં તો તારે, પડશે દાખવવી જ સરાઈ, ઊભા રહેવું પડશે કોકે મારગ દીપ સ્હાઈ; આ આવું ને આવું દુર્ભગ રહેવા ના સર્જાયુ છે જગ, કોક જણે તો અમૃતદેશે દોરવું પડશે સ્હાઈ, કોક જણે તો નિમિત્ત કેરી રળવી ભાગ્યકમાઈ; શા લખવાર વિચારો એમાં કેવળ છે જીતવાનું જેમાં? તું હોતાં દીનહીન રહે જગ, તું જાશે નિંદાઈ, તું હોતાં શું બીજો રળશે નિમિત્ત ભાગ્યવડાઈ! કોકે કલશરૂપે પ્રાસાદે, કોકે મિટ્ટીરૂપે બુનિયાદે, વિશ્વસૌખ્યનું ભવન ભલા, રચી જાવું પડશે આંહિં. તારે પાયે ગૃહફૂલ ફૂટશે, સૌ સૌનું પછીથી કરી છૂટશે, આજ કસોટી પરે ચઢી છે તારી પ્રેમસગાઈ. -ઉશનસ્
|