[પાછળ]
હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ

હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ હું છું નક્ષત્રોની ધરી સકળ વિશ્વ સંભાળું છું ને એક જ આંખે ભાળું છું સકળ વિશ્વ મુજથી ઉદ્‌ભવે કાળ કરાલ મને અનુસરે શોક અશોકથી હું ઉપરે હા સાક્ષાત્કાર કર્યો મેં ખરે મારાં અગણિત રૂપ થયાં અડધા ફાટીને ધૂપ થયાં બાકીના સાવ બિચારાઓ લો જીવતે જીવત સ્તૂપ થયા સાંભાર મહીં હું કાંદો છું હું શરદ પૂનમનો ચાંદો છું હું નગરશેઠમાં ફાંદો છું હું તડપાતાળિયો વાંદો છું હું લિસ્સે ગાલ સરકતું ટીપું (જનમ ધરીને અવર ન દીઠું) કીર્તન સૌ મારું કરજો મીઠું સકળ કાજ પરહરજો પીઠ્ઠુ તનથી અક્કડ મનથી વાંકો ટીલાં તાણું મારું ફાંકો પીરસું લાગણીઓનો ગાંજો બોલો તમને છે કોઈ વાંધો? હું સચરાચરમાં બધે ચરું ને ધરમસભાઓ રોજ ભરું હું સ્વયં બ્રહ્મનું રૂપ ખરું (તોયે માંદો થઈને મરું) સકળ પદારથ હાથ મેં બંધા અકળ પદારથ ગોરખ ધંધા આવો ભોળા આવો ખંધા આશીર્વાદ સ્વીકારો બંદા વ્યક્ત થાઉં હું આસન મધ્યે સકળ સૃષ્ટિના શાસન મધ્યે પ્રસાદ મૂકો વાસણ મધ્યે પછી ફસાઓ ભાષણ મધ્યે તમે રહો દેરીમાં હરિ ધરમ રમે શેરીમાં હરિ પાછળ મેં શાંતિ-ફેરી કરી હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ

-ધ્રુવ ભટ્ટ

[પાછળ]     [ટોચ]