પિટર, કૈયાફસ-હેરોડ અને બીજા
પિટર
‘વીતશે રજનિ, ભોર ઊગશે,
તું ત્રિવાર મુજને નકારશે.’
કોણ?
‘તું, પિટર-હા, જરૂર તું
તું કહીશ; નહિ ઓળખું ઈસુ
કોણ!’
ને પછી મહાલયે બધા
ધર્મધુરીણ તણા ગયા હતા.
એક આવી પરિચારિકા પૂછે:
‘તું અલ્યા નહિ હતો?’
‘નહિ.’ -અને
અન્યને ય વળતો નકાર દે.
કૂકડે ગજવિયું પ્રભાત ત્યાં
તે ક્ષણે નજર ઈસુની પડી
મ્લાન ધૂસર મુખે રડી રહ્યો.
‘વંચના પિટર તેં કરી ભલે,
વંચના નહિ થશો જ કોઈની.’
કૈયાફસ-હેરોડ અને બીજા
ધર્મધુરીણ, સમાજરક્ષક
પોથીપંડિત અને ધની બધાં,
ભાવના સઘળી રૂંધતા રહી
શ્રેય શું જગતનું તમે કરો?
શું તમે નિયતિ-ચક્ર-સ્વામી છો?
ઈસુને કશું ન લૂંટવું હતું
સંગ્રહેલું હતું જે તમે બધું.
રિદ્ધિઓ હૃદયની લૂંટાવવા
એ વિશાળ જગ-ચોકમાં ઊભો.
પરંતુ તમને નહિ હૃદય-સિદ્ધિની ખેવના,
સનાતન પુરાણને ગણી, નવીનને રૂંધતા.
સંસારની નિષ્ફળતા તણા તમે
ઊભા બધા સ્મારક શા પુરાતન!
-હરિશ્ચંદ્ર ભટ્ટ
|