મને એ સમજાતું નથી કે
હું પૂછું કિરતાર તારે ઘેર કાં અંધેર છે?
સંતને શૂળી અને દુરિજનને લીલા લ્હેર છે!
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે!
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!
કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
- કરસનદાસ માણેક
આ ખૂબ જ સરસ અને લોકપ્રિય કવિતા એક ગુજરાતી ફિલ્મમાં કવાલીના રાગમાં રજૂ થઈ હતી તે માન્યામાં આવે તેવી વાત છે? હા, આ વાત સાચી છે. ૧૯૫૫માં બનેલી ફિલ્મ ‘મૂળુ માણેક’ના બધા ગીતો કરસનદાસ માણેકના લખેલા હતા અને તેમાં આ કવિતા પણ હતી! |
સ્વરઃ મધુબાલા ઝવેરી
સંગીતઃ ઈન્દુકુમાર પારેખ
ચિત્રપટઃ મૂળુ માણેક (૧૯૫૫)
ક્લીક કરો અને સાંભળો
|