[પાછળ]
આ ગામડાં કે કલ્પનાનાં માળખાં?

૧ આ ગામડાં! આવો ઉજાણીએ, બધાંને સાથ લાવજો! ખુલ્લાં ખેતરોમાં ઘૂમશું; છે પોંક તાજો સો'ડતો, ખાતા ધરાશું ના, પચી જાશે બધું. પીશું કુવેથી ખેંચિયા પાણી મધુ. બપોરનો તડકો હશે ને આંબલા વીંઝણા વાતા હશે; મીઠો વળી પાવો હશે: સૌ આવજો! આ કોશિયાનાં ગાન, ટહૌકો મોરનો ઘેરો હશે, ને ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે. આ વેળ તો આરામથી, સૌ આવજો! બારોટ સંગે પાળિયાઓ પેખશું, આઘે મહાદેવ જશું, ને ગોરજે ઘેરાઈ પાછા આવશું. સૌ આવજો! છે ચાંદનીની રાત, ખુલ્લી આ ફળી, સૌ ખેલશું, ઢંઢોળતા આખી ધરાને રાસડા; ને છેવટે દૂધે ભરેલા પી જઈશું વાડકા. ૨ આ ગામડાં! જોનાર એનાને મુબારક! આજ તો એ કલ્પનાનાં માળખાં! આવો, અહિં આકાશ પર ટાંપી રહ્યાં ખુલ્લાં છતાં છાનાં રહેલાં ખેતરો. (કે ખેતરોના નામે રહ્યાં કોઠારિયાં?) જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના, ભંડાર ખૂટ્યા ના વળી જે ભોમના, તે ઠામનાં લાખો જનો ભૂખે ભમે કંકાલ શાં! છે ભોમ એ, રે! વ્યોમ એ, અંગાર તોયે ભૂખનો પેટાય રોમેરોમ કાં? પૃથ્વીપટે બીજે બધે છે બાવડાં, આકાશને ટેકે અહિં તો છે રહ્યાં સૌ હાડકાં! લાખો કરોડની છતાં, જાણી નહોતી ભૂખ ગોઝારી યહાં! ના બાવડાં આજે રહ્યાં, હૈયાં ય કિન્તુ છે થયાં પાષાણ–ધાતુસમાં! ચૂસે બધુંએ સત્વ થોડા સ્વાર્થમાં અંધા બની, અળગાં કરી પોતા તણાં ભાંડુ ઘણાં જે દીન શોષાતા રહ્યાં! જોતી રીબાતી માવડી, સંતાન રેંસાઈ રહ્યાં સંતાનથી! આ ગામડાં ખૂણે પડ્યા પાવા, બજી હોટેલની થાળી રહી; એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ! તૂટેલ ગંદા કોંપની ચાના રગડ, ઊગે નહિં વ્હાણું અહિં બીડી વગર, ના રોશની છે શ્હેરની, આવી છતાં ત્યાંની ગટર, પૂજા અને બાધા છતાં દેરાં ઉજડ, ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક! ૩ આ ગામડાં! ભેગી બધાની એકદા ખેતી થશે, કામે નવાં કંઈ સાધનો લાગી જશે; ખાડા અને ખૈયા મટી રસ્તા થશે પ્હોળા અને પાકા બધે, ફેલાઈ જાશે વીજળી, ન્હાનાં ઘરોની હાર ઘાટીલી સુખાળી શોભશે, સારાં દવાખાનાં થશે, ગ્રંથાલયો, શાળા, બગીચાઓ થશે, ઢોરો તણી આ છાપરીઓ ધારશે કાયા નવી, ઘી, દૂધ, માખણની અને મધની થશે કૈં મંડળી, ક્રીડાંગણો, ચિત્રાલયો, આરામવાળા વાહનો, ન્હેરો, નળો, ટાંકી, ફૂવારાઓ! ૪ અરે! બસ હો હવે! આકાશમાં ખાલી મિનારાં કાં ચણો? જોવા નથી રાજી અમે ઉદ્ધારના નકશા-નિવેદનમાં રહ્યાં એ ગામડાં! લેખો મહિં ને ભાષણો માંહે મઢેલાં ગામડાં! આ ગામડાં! પાવા તણી મીઠી ખુવારીથી ભરેલા આયખાં, ફૂલો સમાં નિર્દોષ ખુલ્લાં ખેતરો જેવાં હયાં, કૂવે વલોણે માખણે જીવન્ત એવાં ગામડાં જોયાં ભલે એ ગાયકે બિરદાવિયાં. ના ચાલતી મારી જબાં હું તો નિહાળું છું બધે એ કલ્પનાનાં માળખાં.

-હસિત બૂચ
[પાછળ]     [ટોચ]