ફૂલનો પવન લોચન મારે વાયો
ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.
કોઈ તરૂ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાખળી, પાન;
ફૂલનો ફુવાર એકલો ફૂટે જેમ કવિના ગાન:
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.
ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો.
ફૂલનો પવન લોચન મારે વાયો.
-પ્રિયકાંત મણિયાર
ક્લીક કરો અને સાંભળો
હરિપ્રસાદ ચૌરસિયાના બાંસુરીવાદન વચ્ચે
હરીન્દ્ર દવેના પરિયય સાથે કૌમુદી મુનશીના સ્વરમાં આ કવિતાઃ
આ અવિસ્મરણીય રેકોર્ડિંગ માટે સૌ સાહિત્ય રસિકો
વિલે-પાર્લેના પારેખ-પરિવારના સદા માટે ઋણી રહેશે.
|