[પાછળ]
ચાહીશ હું તો સર્વથા

(હરિગીત)
છે સ્નેહ માયા મોહબંધન  સ્નેહ વિષમય પાશ છે
છે સ્નેહ મોટો મોક્ષબાધક  સ્નેહ આત્મવિનાશ છે

માટે  કોઈ ચ્હાશો  નહિ,  જો હોય  હેતુ મુક્તિનો
ડિંડિંમ બજાવી  બોધ  દે  રસહીન  કૈં કૈં જ્ઞાનીઓ

સંસારના કૈં અનુભવી શીખ આપતા બની ડાહ્યલાં
ઈજારદારો   હોય    જાણે   સર્વ   દુનિયાદારીના

છે  સ્નેહની  વાતો  બધીયે   સ્વાર્થીઓની  વંચના
કે વિષયની  મૃગતૃષ્ણિકા   કે  ઊભરા  ઉન્માદના

માનો  ભલે  તે,  તેમને  જે  ઠીક  લાગ્યું  દીલથી
ચાહ્યા  વિના મુજને  કદી  પણ  ચેન કૈં પડતું નથી

શાને દબાવું ઉમળકા જે ઊછળતા શુચિ સ્નેહના?
ચાહીશ  હું,  ચાહીશ હું,  ચાહીશ  હું  તો સર્વથા 

-ચંદ્રશંકર ન. પંડ્યા
[પાછળ]     [ટોચ]