[પાછળ]
માન તમારે હાથ ન સોંપ્યું

(રાગ કેદાર)

માન તમારે હાથ ન સોંપ્યું  કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

ઘન ગાજે  વાયુ  ફુંકાયે  વીજળી  કકડી ત્રાટકે
બાર  મેઘ વરસી  વરસીને  પર્વત  ચીરે ઝાટકે

હિમાદ્રિ અમલિન સુહાસે  ઊભો આભ અઢેલતો
આત્મા મુજ તમ અપમાનોને હાસ્ય કરી અવહેલતો

રેતી કેરા રણ ઉપર ના બાંધ્યાં મહેલ સ્વમાનના
શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના

માન તમારે હાથ ન સોંપ્યું  કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

-કૃષ્ણલાલ શ્રીધરાણી
[પાછળ]     [ટોચ]